તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં મોદી સરકાર દ્વારા ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં પોતાની ભાગીદારી વેચાવાનો એટલે કે વિનિવેશની જાહેરાત કરવામાં આવી હતી. જેનો LICના કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ નિર્ણય વિરૂદ્ધ LIC કર્મચારીઓના તમામ સંગઠનો એકજૂટ થઈને આજે મંગળવારે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે.
આ હડતાલ દરમિયાન LIC કર્મચારી સંગઠન દેશની સરકારી અને સૌથી મોટી વીમા કંપનીના એક ભાગને વેચવાના સરકારના નિર્ણયનો વિરોધ કરશે. આ અંગે LIC એમ્પ્લોઈઝ એસોસિએશન, કોલકત્તા ડિવિઝનના ઉપાધ્યક્ષ પ્રદીપ મુખર્જીએ જણાવ્યું કે, અમે મંગળવારે બપોરે 12:15 કલાકથી 1:15 કલાક સુધી એક કલાકની હડતાલ પાડીશું. અમારા તમામ કર્મચારીઓ પહેલા કાર્યાલયોમાં પ્રદર્શન કરશે અને પછી રોડ પર ઉતરીને સરકારના નિર્ણયનો વિરોધ કરશે. આગામી સમયમાં અમે સાંસદો પાસે પણ જઈશું.