દિલ્હી હાઈકોર્ટ નિર્ભયા કેસ સાથે સંકળાયેલી કેન્દ્રની એ અરજી પર બુધવારે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. જેમાં તમામ આરોપીઓની ફાંસી પર રોક લગાવા સબંધી નીચલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટે રવિવારે વિશેષ સુનાવણી અંતર્ગત આ મુદ્દે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્રએ નીચલી અદાલતના 31 જાન્યુઆરીના આદેશને પડકારતા ગત શનિવારે જ કોર્ટમાં અરજી દાખલ કરી અને આગ્રહ કર્યો હતો કે, વિલંબ કર્યા વિના સુનાવણી કરવામાં આવે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતે કેન્દ્રનો પક્ષ સાંભળ્યા બાદ રવિવારે આ કેસમાં સુનાવણીની મંજૂરી આપી હતી. નીચલી અદાલતના આ આદેશ અંતર્ગત ચારેય આરોપીઓ પર ફાંસી પર આગામી આદેશ સુધી રોક લગાવી હતી.
નિર્ભયાના તમામ ગુનેગારો મુકેશ, પવન, વિનય અને અક્ષય તિહાર જેલમાં બંધ છે. મંગળવારે નિર્ભયાના માતા-પિતાએ હાઈકોર્ટને આગ્રહ કર્યો હતો કે, તે કેન્દ્રીની સબંધિત અરજી પર વિલંબ ના કરે. જસ્ટિસ કૈતે તેમણે જલ્દીમાં જલ્દી ચૂકાદો આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ સુનાવણી દરમિયાન કેન્દ્રએ દલીલ આપી કે, આવા જધન્ય અપરાધના આરોપીઓને એક-એક કરીને ફાંસી આપવામાં કોઈ સમસ્યા નથી. તિહારને કોઈ સમસ્યા નથી. તેમણે જણાવ્યું કે, તેલંગાણામાં લોકોએ દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટરની ઉજવણી કરી હતી. લોકોની આ ઉજવણી પોલીસ માટે નહતી, પરંતુ ન્યાય માટે હતી.