ચીનમાં કોરોના વાયરસનો વ્યાપ ધારણા કરતા વધુ ઝડપી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધી સત્તાવાર રીતે કુલ 563 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે 28,018થી વધુ લોકોને ચેપ લાગતા પ્રભાવિત થયા છે. એક જ દિવસમાં (બુધવાર) કોરોના 73 લોકોને ભરખી જતા હાહાકાર મચી ગયો છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર દેશના 31 પ્રાંતમાં 3,694 નવા કેસ નોધાયા છે. બુધવારે જે 73ના મોત થયા તેમાં 70 તો હુબેઈ પ્રાંતના વુહાનના જ છે. જ્યારે ટિયાનજિન હેઈલોંગજિયાંગ અને ગુઈઝોઉમાં એક-એકના મોત થયા છે. કોરોનાના નવા 3,694 કેસોમાંથી 2,987 એકલા હુબેઈ પ્રાંતના છે. બુધવારે કોરોનાથી સંક્રમિત 640 દર્દીઓની હાલત ગંભીર હતી, જ્યારે 3,859 લોકોની તબિયત અતિ ગંભીર હતી.
કોરોના વાયરસના ચેપને લઈને વધુ એક ચોંકાવનારઓ આંકડો પણ સામે આવ્યો છે. કોરોના એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાતો હોવાથી 2.82 લાખ લોકોને તેની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1.86 લાખ લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસથી બચવા સાવધાની દર્શાવતા ભારત સરકારે 5 ફેબ્રુઆરી પહેલા આપવામાં આવેલા તમામ ચીની પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે. કોઈપણ વિદેશ કે જે 15 જાન્યુઆરી સુધી ચીનમાં હતા તેમને ભારતમાં પ્રવેશ આપવાનો બંધ કરાયો છે. રસ્તા માર્ગે પણ તેમને આવવા દેવામાં આવશે નહીં. જોકે, હોંગકોંગ, મકાઉ અને તાઈ વાનના ચીની પાસપોર્ટ ધારકો માટે આ આદેશ લાગૂ પડશે નહીં. કોરાના વાયરસથી 25થી વધુ દેશોમાં ચેપ ફેલાઇ ચૂક્યો છે.