દિલ્હીની તમામ 70 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. 12 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 15.68 ટકા મતદાન થયું છે. આ ચૂંટણી જંગમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હીના 1,47,86,382 મતદાર આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા પર કઇ પાર્ટી બેસશે. ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યા બાદ રાજધાનીની સૌથી મોટી વયની મહિલા મતદાતા કલીતારા મંડલે શનિવારે દરેકને ઘરોની બહાર આવીને પૂરા ઉત્સાહ સાથે મત આપવાની અપીલ કરી છે. પુત્ર, પપૌત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે સીઆર પાર્ક સ્થિત મતદાન કેન્દ્ર પર પહોંચેલા 111 વર્ષના મંડલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ગર્વથી પોતાની શ્યાહી વાળી આંગળીનો ફોટો મીડિયા સમક્ષ દર્શાવ્યો હતો.