સરકાર કે વહીવટી તંત્ર માટે ખેડૂતનો જીવ કે ખેડૂતની જમીન મહત્વની નથી, પણ બુલેટ ટ્રેન મહત્વની છે. નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર કોઈપણ ભોગે બુલેટ ટ્રેન માટે સંપાદન થનાર જમીનની માપણીનું કામ પૂરું કરવા તત્પર છે. પરઠાણ, વેજલપર, આમદપોર પછી તા. 7- 2 -20ના રોજ ગણદેવીના પાટી ગામે પોલીસ બળનો ઉપયોગ કરી જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી નવસારીએ બુલેટ ટ્રેન માટેની જમીન માપણી સવારે નવ વાગ્યાથી ચાલુ કરી હતી. જ્યાં પ્રાંત અધિકારી ચીખલી ભોગાયતા પણ હાજર રહ્યા હતા.
તે જ સમયે બે વર્ષથી બુલેટ ટ્રેન માટે થનારા જમીન સંપાદનનો વિરોધ કરતા પાટીના ખેડૂત યુવાન ધર્મેશ પટેલ ત્યાં આવી ગયા હતા. તેમણે અધિકારીઓના કાફલા સામે ‘જિંદગી કરતાં પણ વધુ કિંમતી જમીનની માપણી કરશો તો અહીં જ અત્યારે જ આત્મવિલોપન કરીશ’એવી ચીમકી જાહેરમાં ઉચ્ચારતાં પ્રાંત અધિકારીએ વધુ પોલીસ ફોર્સ તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી જમીન માપણીની પ્રક્રિયા આગળ ધપાવી હતી.