અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત થયા છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જાણવા મળતુ હતું જોકે, આગ પર કાબુ મેળવવામાં આવ્યા બાદ ગોડાઉનમાંથી 6 લોકો અંદર જ બળીને ખાખ થઇ ગયા હતા. આ બનાવને પગલે ફેક્ટરીમાં ઇમરજન્સી એક્ઝિટ કે ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ના હોવાનું જાણવા મળ્યુ છે.
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. બીજી તરફ ડેનિમ ફેક્ટરીમાં ક્યા કારણોસર આગ લાગી તે અંગે સ્થળ પર ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો પાસેથી પણ કોઈ જવાબ જાણવા મળ્યો ન હતો. શોર્ટસર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી છે કે કેમ તે દિશામાં ફાયર વિભાગના જવાનો તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન વટવા અને નારોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.