બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે રહી રહેલા રોહિંગ્યા એક ભીષણ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ બાંગ્લાદેશ પાસે રોહિંગ્યા શરણાર્થિઓને લઈને જઈ રહેલી એક હોડી મંગળવારે સવારે ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 રોહિંગ્યા શરણાર્થિઓના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો લાપતા છે. જોકે, તેમાંથી 70 લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે.
દુર્ઘટનાગ્રસ્ત હોડી બંગાળની ખાડીથી મલેશિયા તરફ જઈ રહી હતી. તટરક્ષક દળના પ્રવક્તા હમિદુલ ઈસ્લામે જણાવ્યું કે 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજી પણ એક બોટ લાપતા છે. આ તમામ લોકો માછલીને પકડવા માટે વપરાતી હોડીમાં બેસીને ચોરી-છુપીથી ભાગી રહ્યા હતા. આ હોડીની ક્ષમતા ફક્ત 50 લોકોની જ હતી પરંતુ તેના પર કુલ 130 લોકો સવાર થયેલા હતા.
ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં 2017માં સૈન્ય કાર્યવાહીથી ડરીને ભાગેલા 7,00,000થી વધારે રોહિંગ્યા લોકો બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે. ત્યાં રહી રહેલા શરણાર્થી શિબિરોમાંથી આ લોકો મલેશિયા જતી હોડીમાં સવાર થઈ ગયા હતા. બે હોડીઓ મલેશિયા તરફ જઈ રહી હતી કે જેના પર શરણાર્થીઓ સવાર હતા.