અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વ્યાજખોરોના ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં ગતરોજ વટવા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીના માલિકે 5થી 6 લોકોને વોટ્સએપ કર્યા હતા. જેમાં તેમણે ધીરુભાઇ નામના વ્યક્તિને પણ મેસેજ કર્યો હતો. ધીરુભાઈએ હિમાંશુ ભાઈને ફોન કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ફરી એક મેસેજ આવ્યો હતો અને તેમાં તેમનો ફોટો હતો. જેથી તેમને કંઈક ખોટું થયુ છે તેવું લાગ્યું હતું. ત્યારબાદ તરત હિમાંશુ ભાઈનો ફોન આવ્યો હતો અને તેઓ દવા પી ગયા છે, માફ કરજો, મારા ઘરના લોકોને સાચવજો તેમ કહ્યું હતું. હિમાંશુંભાઈ ગઈકાલે જ ધીરુભાઈને મળ્યા હતા. અને કહ્યું હતું કે તે ત્રાસી ગયા છે. જેથી તેમણે ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.