કોરોનાનું નામ સાંભળતાની સાથે જ લોકો કાંપી ઉઠે છે. આ વાયરસથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ આંધ્ર પ્રદેશમાં 50 વર્ષના એક વ્યક્તિએ કોરોના વાયરસની લપેટમાં આવી જવાના ભયથી આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તેની પત્ની અને તેના બાળકને તેનો ચેપ ન લાગી જાય તે માટે તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મૃતકની ઓળખ ચિત્તૂરના રહેવાસી બાલા કૃષ્ણાહદ તરીકે થઈ છે. કૃષ્ણાના પરિવારના લોકોએ જણાવ્યું કે તેમને થોડા દિવસથી વાયરલ તાવ આવી રહ્યો હતો. તે જ સમયગાળામાં તેણે ઈન્ટરનેટ પર કોરોના વાયરસ સંબંધિત વીડિયો જોયો હતો. આ વીડિયો જોયા બાદ તેના મનમાં એ વાતે ઘર કરી લીધુ હતું કે તેને કોરોના વાયરસના કારણે જ તાવ આવી રહ્યો છે. તેનું સતત એવું જ લાગી રહ્યું હતું કોરોના વાયરસની લપેટમાં આવી ગયો છે. મંગળવારના રોજ કૃષ્ણાએ પોતાના પરિવરના સભ્યોને ઘરમાં બંધ કરીને પોતાની માતાની કબર પર ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ કૃષ્ણાની પત્ની લક્ષ્મી દેવીએ તેમના રૂમનું બારણું ખોલવા માટે બૂમાબૂમ કરીને પાડોશીઓેને ભેગા કરી દીધા હતા. પાડોશીઓએ આવીને તેમનું બારણું ખોલે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેઓએ એક વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહની તપાસ કર્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે તેમને સામાન્ય વાયરલનો તાવ હતો. આંધ્ર પ્રદેશમાં હજી સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.