વિતેલા સમયમાં આવેલા આર્થિક આંકડાઓથી લાગી રહ્યું હતું કે હવે આર્થિક વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે, પરંતુ બુધવારે મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડોએ એકવાર ફરી મોદી સરકારની ચિંતામાં વધારો કર્યો છે. ખાણી-પીણીનો સામાન મોંઘો થવાથી રિટેલ મોંઘવારી વધીને 7.59% પર પહોંચી ચૂકી છે. આ આંકડો વિતેલા 6 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર ધરાવે છે. સતત છઠ્ઠા મહિને પણ મોંધવારીમાં વધારો નોંધાયો છે.
સરકારી આંકડાઓ મુજબ, consumer price Index (CPI) આધારિત ડિસેમ્બર 2019માં રિટેલ ફૂગાવો 7.35% હતો. ગત વર્ષે જાન્યુઆરીમાં આ પ્રમાણ 1.97% હતું. જાન્યુઆરીમાં મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્કના 4%ના લક્ષ્યથી ઘણો ઉપર રહ્યો હતો. જાન્યુઆરીમાં શાકભાજીમાં મોંઘવારી વધીને 50.19% રહી, જ્યારે ડિસેમ્બર 2019માં આંકડો 60.50% હતો. એવી જ રીતે તેલીબિયાંમાં ફુગાવા દર 5.25% રહ્યો. દાળ તથા તેના ઉત્પાદનોમાં મોંઘવારી દર 16.71% રહ્યો.
બીજી તરફ ડિસેમ્બરમાં ઉદ્યોગોમાં ભારે મંદી જોવા મળી હતી. આ મહિનામાં ઉત્પાદનના વૃદ્ધિ દરમાં 0.3%નો ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષે આજ સમયમાં 2.5%નો વધારો જોવા મળ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રે ઘટાડાને કારણે આ સ્થિતિ ઉભી થઇ હતી. ઉત્પાદનમાં 1.2%નો ઘટાડો નોંધાયો હતો,જ્યારે ગત વર્ષે 2.9%નો વધારો થયો હોવાનું જોવા મળ્યું હતું. આ સિવાય વીજળી ઉત્પાદનનો વૃદ્ધિ દર ઘટીને 0.1% પર પહોંચ્યો હતો, જ્યારે ડિસેમ્બર 2018માં એમાં 4.5% વધારો થયો હતો. ખનન ક્ષેત્રે ઉત્પાદનમાં 5.4%નો વધારો થયો હતો.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન IIP Growth ઘટીને 0.5% રહ્યો જે ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન વધીને 5.7% નોંધાયો હતો.