CISFએ બુધવારે (12 ફેબ્રુઆરી) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 45 લાખ રૂપિયાના વિદેશી કરન્સી સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સનું નામ મુરાદ અલી છે અને તે દુબઈ જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે, આરોપી પાસેથી કુલ 508 કરન્સી નોટો મળી આવી હતી અને તે મગફળી અને અન્ય ખાદ્ય વસ્તુ મારફતે તે દાણચોરી કરી રહ્યો હતો.
CISFએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સામે આવ્યું છે કે, આરોપી મગફળી, બિસ્કીટ અને અન્ય વસ્તુની અંદર આટલી મોટી રકમની નોટો કેવી રીતે છુપાવતા હતા. અધિકારીઓએ શખ્સ પાસેની બધી ખાદ્ય વસ્તુની તપાસ કરી હતી. જોકે, મુરાદ અલીના ‘શંકાસ્પદ’ વલણને કારણે, CISF જવાનોની નજર તેની તરફ પડી હતી અને જ્યારે તેના સામાનની તપાસ કરી તો આ કરન્સી નોટો મળી આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.
CISFની તપાસ દરમિયાન અલગ-અલગ દેશોની કરન્સી મળી આવી હતી. આમાં સાઉદી રિયાલ, કતાર રિયાલ, કુવૈત દિનાર, ઓમાની રિયાલ અને યુરો કરન્સી સામેલ છે. આ પૂર્ણ મામલે CISFના પ્રવક્તા સહાયક ઈન્સ્પેક્ટર જનરલ હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, મુસાફરની શોધખોળ કર્યા બાદ મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘મુસાફરે માંસના ટુકડા, મગફળી, બિસ્કિટના પેકેટ અને અન્ય ખાદ્ય વસ્તુમાં નોટો છુપાવી હતી.’આ નોટોની કુલ કિંમત લગભગ 45 લાખ રૂપિયા થાય છે. મુસાફર પાસે દુબઈની ટૂરિસ્ટ વિઝા હતી. આ કરન્સીને કસ્ટમ્સ ઓથોરિટીને સોંપી દેવામાં આવી છે.