નિર્ભયા ગેંગરેપના આરોપી વિનય શર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવાની છે. રાષ્ટ્રપતિએ વિનય શર્માની દયા અરજી નકારી કાઢ્યા બાદ આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જણાવી દઈએ કે, નિર્ભયા કેસના ચારેય આરોપીઓને આજે 1 ફેબ્રુઆરીએ ફાંસી થવાની હતી, પરંતુ કાનૂની દાવપેંચના કારણે આરોપીઓના વકીલો ફાંસીની સજા ટાળવામાં સફળ રહ્યાં છે.
આ અરજીમાં આરોપીના શર્માના વકીલ એ. પી. સિંઘ દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવાની વિનંતી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીએ વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
અગાઉ નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસી પર લટકાવવાનું નક્કી થયું હતું, પરંતુ આરોપી મુકેશની દયા અરજીને પગલે તેને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ 1 ફેબ્રુઆરીનું ડેથ વૉરન્ટ ઈસ્યૂ થયું હતું. જો કે આ ડેથ વૉરન્ટ પણ આરોપીઓને ફાંસીના ફંદા સુધી ના પહોંચાડી શક્યું.
મીડિયા સાથેની વાતચીતમાં નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, કોર્ટ કહે છે કે અપરાધીઓને પણ કાયદાએ કેટલાક અધિકારો આપ્યા છે. મારે કહેવું છે કે, એક માતા તરીકે મને પણ કેટલાક અધિકારો મળ્યા છે.
નિર્ભયાની માતાએ અગાઉ કોર્ટમાં પણ માંગણી કરી છે કે, વહેલી તકે ચારેય અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવે. જો કે જજે કહ્યું હતું કે, અપરાધીઓને પણ અધિકારો હોય છે જેનો ઉપયોગ તે કરી તે બાદ જ ફાંસી આપી શકાય.