કન્નડ સમર્થિત સંગઠનોએ આજે કર્ણાટક રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે. સરોજિની મહિષીનાં અહેવાલને લાગુ કરવાની માંગ સાથે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં કન્નડ લોકોને ખાનગી ક્ષેત્ર અને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કન્નડ જિલ્લામાં કેટલાક બદમાશોએ સરકારી બસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, શાળા-કોલેજની કોઈ સત્તાવાર રજા જાહેર કરવામાં આવી નથી.
જિલ્લા વહીવટ પરિસ્થિતિને આધારે રજા સંબંધિત નિર્ણય લઈ શકે છે. વળી, બંધને હાકલ કરનારાઓ સાથે વાત કરવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ અપીલ કરતા સંગઠનોને કહ્યુ કે, તેમની સરકાર કન્નડ લોકોનું સમર્થન કરે છે અને સંગઠનો બંધ દરમિયાન લોકોને કોઇ પણ પ્રકારની પરેશાની ન આપે.