પુલવામા આતંકવાદી હુમલાની આજે પ્રથમ વરસી છે, ત્યારે સમગ્ર દેશ આજે એકજૂટ થઈને શહીદોને યાદ કરી રહ્યો છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ શહીદોની યાદમાં પુલવાનાના લેથપુરા કેમ્પમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ઉમેશ યાદવે અહીં કળશ સોંપ્યો છે. જેમાં તમામ 40 શહીદ જવાનોના ઘરની માટી છે. હવે આ કળશને આજ સ્મારકમાં રાખવામાં આવશે.
આ અંગે CRPFના એડિશનલ ડાયરેક્ટર જનરલ(ADG) જુલ્ફિકાર હસને ગુરૂવારે સ્મારક સ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની રીત છે. જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમના ફોટા પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ સેન્ટ્રલ રિઝર્વ પોલી, ફોર્સનું ધ્યેય વાક્ય ‘સેવા અને નિષ્ઠા’ પણ અંકિત કરવામાં આવશે.