સુરત મહાનગર પાલિકા દ્નારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સુરત રોબોટથી ગટર લાઈન સાફ કરનારું પહેલું શહેર બનશે।. દેશમાં 12 જેટલા શહેરોમાં હાલ રોબોટથી ગટર લાઈન સફાઈ થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂના સુરત વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે. હાલ શહેરમાં 114 જેટલા મશીનથી કામગીરી કરવામા આવે છે. 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેઈન હોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. તંત્ર દ્વારા સીસી કેમેરા સાથે સુપર સકર મશીન, સુવર જેટિંગ મશીન, ગલ્પર મશીન, ગ્રેબ બકેટ જેવી મશીનરીનો ઉપયોગ કરીને ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવે છે. ડ્રેનેજની કામગીરી વધુ સઘન બને તે માટે રોબોટિક ક્લિનિંગ કોન્સેપ્ટ લાવી રહી છે.. આ રોબૉટની કિંમત 40 લાખ રૂપિયા છે. સૌપહેલા માત્ર એક રોબૉટની ખરીદી કરવામાં આવશે, ત્યાર બાદ તમામ ઝોન માટે એક એક રોબૉટ ખરીદવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રોબૉટ મારફતે ડ્રેનેજની સફાઈ કામગીરી સારી રીતે કરાવાય છે. જેથી સુરત મ્યુનિ.એ પણ આવા રોબૉટ ખરીદવા નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે, રોબોટ ડ્રેનેજનું ઢાંકણ ખોલવાની કામગીરી પણ કરશે. 25 ફૂટની ઊંડાઈ સુધી જઈને સફાઈની કામગીરી કરશે, જેમાં એક કેમેરો પણ હશે. જેથી તેને ઓપરેટ કરનારને અંદરની પરિસ્થિતિ માલુમ પડી શકે. જો ગેસ ચેમ્બરમાં વધુ પડતો ગેસ હશે તો તેની પણ માહિતી પણ રોબોટ આપશે.