શનિવારે મહારાષ્ટ્રનાં પુણે એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. જણાવી દઇએ કે, રન-વે પર એર ઇન્ડિયા વિમાન A-321 ની સામે અચાનક એક જીપ અને માણસ આવી ગયા, ત્યારે વિમાનનાં પાઇલટે સમજણ બતાવતા વિમાનને પહેલા ટેકઓફ કર્યુ. જેના કારણે વિમાન અકસ્માતનો શિકાર બનતાં બચી ગયું હતું. જોકે, વિમાનની ફ્યુઅલ ટાંકીને નુકસાન થયું હતું. જો કે કોઈ મુસાફરોને ઇજા પહોંચી ન હોતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એર ઈન્ડિયાનું એક વિમાન આજે સવારે પુના એરપોર્ટ પર રનવે પર ઉડવા માટે પહોંચ્યું હતું, જ્યારે વિમાન 222 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતું ત્યારે અચાનક એક વ્યક્તિ અને એક જીપ રન-વે પર દોડી આવ્યા હતા. તેને બચાવવા પાયલોટે તુરંત વિમાનને ટેકઓફ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે વિમાનનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) નાં અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને તમામ મુસાફરોની સલામતી વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, આ ઘટના બન્યા છતાં વિમાન દિલ્હી એરપોર્ટ પર સલામત રીતે ઉતર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એર ઇન્ડિયાનાં કોકપીટ વોઇસ રેકોર્ડર (સીવીઆર) ની તપાસ કરવામાં આવશે. ઘટનાની તપાસ માટે વિમાનને તાત્કાલિક સેવાથી હટાવી દેવામાં આવ્યું છે.