વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત પછી અરવિંદ કેજરીવાલ આજે 10 વાગે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લેશે. તેમના સાથે આખી કેબિનેટ પણ શપથ લેશે. કેજરીવાલે આ વખતે કેબિનેટમાં કોઈ જ પરિવર્તન કર્યો નથી. તેમની સાથે ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ શપથ લેશે.
જણાવી દઈએ કે, દિલ્હીની કુલ 70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીએ 62 પર જીત નોંધાવી છે. જ્યારે બીજેપીના ખાતામાં 8 સીટો ગઈ છે. કોંગ્રેસ પાછલી વખતની જેમ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી.
શપથ ગ્રહણ સમારંભ સવારે 10 વાગે શરૂ થશે. સંબંધિત વિસ્તારમાં સવારે 8 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણ પણ કરવામાં આવશે. આ સંબંધે શુક્રવારે પોલીસે એડવાઈઝરી પણ રજૂ કરી હતી.
અધિકારીઓ અનુસાર દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોના લગભગ બેથી ત્રણ હજાર સુરક્ષા દળોને સુરક્ષામાં લગાવવામાં આવ્યા છે. જ્યારે સર્વિલાન્સ માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. એક ન્યૂઝ ઔર્ગેનાઈઝેસને પણ એક કેમેરો અને એક રિપોર્ટરને જ ઈવેન્ટ કવર કરવાની અનુમતિ આપવામાં આવી રહી છે.