ટ્રમ્પ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કોઇ કમી ના રહી જાય તેની માટે પૈસાને પાણીની જેમ વહાવડાવવામાં આવી રહ્યો છે. પોતાના ભારત પ્રવાસમાં ટ્રમ્પ માત્ર 3 કલાક માટે અમદાવાદ આવશે. ગુજરાત સરકારને ટ્રમ્પના આ 3 કલાક મોંઘા પડી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત આવશે.ટ્રમ્પના સ્વાગત માટે સરકાર તરફથી જોર-શોરથી તૈયારી થઇ રહીછે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ પ્રાધિકરણ મળીને રસ્તાને સુંદર બનાવવા માટે આશરે 100 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમથી પરત ફરવા માટે એરપોર્ટ સુધી ખાસ બનાવવામાં આવતા 1.5 કિલોમીટરના રસ્તા પર જ આશરે 60 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ રૂટ અને સ્થાનને સુંદર બનાવવા માટે 8 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યુ હતું.
‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અનુસાર આ હાઇપ્રોફાઇલ પ્રવાસ પર ગુજરાત સરકાર ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એટલે કે એક મિનિટમાં આશરે 55 લાખ રૂપિયા ખર્ચ થશે. ટ્રમ્પના અમદાવાદ પ્રવાસની તૈયારીમાં જોડાયેલા અધિકારીએ જણાવ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહી દીધુ છે કે સ્વાગતમાં બજેટની કમી ના થવી જોઇએ.