અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવારે નમસ્તે ટ્વીટર એકાઉન્ટ પર નમસ્તે ટ્રમ્પની થીમ પર પોસ્ટરો જાહેર કરાયા હતા. આ ફોટામાં વડા પ્રધાન મોદી સાથે ટ્રમ્પના કાર્યક્રમની નવી રૂપરેખા છે. માનવામાં આવી રહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતને નવી રીતે પ્રસ્તુત કરાઈ રહ્યું છે. જોકે નમસ્તે ટ્રમ્પ થીમને હજુ સુધી વડા પ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમાં અનૌપચારિક મંજૂરી બાદ જ ફેરફાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે ગુજરાતને નમસ્તે ટ્રમ્પની થીમ પર અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યક્રમને જાહેર કરવા જણાવ્યું છે.
ટ્રમ્પના સ્વાગત માટે અત્યાર સુધી કેમ છો ટ્રમ્પના પોસ્ટરનો બધે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ થીમ ફક્ત એક જ રાજ્યમાં પૂરતી મર્યાદિત હતી, તેથી નમસ્તે ટ્રમ્પ થીમ ભારતીય પરંપરા અનુસાર પસંદ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તમામ પ્રોત્સાહક સામગ્રી અને આઉટડોર મીડિયાને નવી થીમ પર ડિઝાઇન કરવા જણાવ્યું છે. આ ફેરફાર પછી પ્રોગ્રામથી સંબંધિત તમામ બોર્ડ અને હોર્ડિંગ્સ નવી રીતે ડિઝાઇન કરવામાં આવશે.