LRD મામલે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકારે બેઠકો વધારી એલઆરડી વિવાદ ઉકેલવાની કોશિષ કરી છે. ઉલ્લેખનિય છે કે, LRDની ભરતીમાં જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકાર બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે.
આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, એલઆરડી ભરતીમાં કોઈને મન દુખ ના થાય તે માટેનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી કરવામાં આવશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી આપવામાં આવશે જ્યારે OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરવામાં આવશે. તે ઉપરાંત જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી કરવામાં આવશે.. આમ કુલ 5227 કુલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
નીતિન પટેલે કહ્યું કે, જુના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે વર્ષ 2018નો પરિપત્ર માન્ય ગણાશે નહીં. સરકારે તમામ વર્ગની મહિલા ઉમેદવારો માટે એક સમાન નિર્ણય લીધો છે. જે પણ ઉમેદવારે 62.5 ટકા સુધી લાવ્યા છે તે તમામ મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.