૨૦૧૫માં ગૂગલ દ્વારા તેનો ‘ગૂગલ સ્ટેશન’ પ્રોગ્રામ લોન્ચ થયો હતો, જેનો હેતુ ભારતમાં ૪૦૦ રેલવે સ્ટેશને મફત વાઈફાઈ સેવા આપવાનો હતો. એ વખતથી મોબાઈલ ડેટા પ્લાન સસ્તા થયા છે અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થયો છે. આ જ કારણ છે કે ગૂગલ પોતાનો આ પ્રોજેક્ટ હવે સમેટવા જઈ રહી છે.
ગૂગલે સોમવારે કહ્યું હતું કે તે પોતાનો ગૂગલ સ્ટેશન પ્રોગ્રામ સમેટી રહી છે. કંપનીએ કહ્યું હતું કે હવે મોબાઈલ ડેટા પ્લાન્સ ખૂબ કિફાયત છે અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થયો છે. મોબાઈલ ડેટા ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા ઘણી વધુ હોવાથી આ પ્રોજેક્ટ ચલાવવો કઠિન છે.
વાસ્તવમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ મૂકેશ અંબાણીએ જિયો દ્વારા ઈન્ટરનેટ ડેટા ફ્રી લાંબા સમય સુધી આપવાની યોજના મૂક્યા પછી ગૂગલને પોતાના પ્રોજેક્ટને ટકાવી રાખવો મુશ્કેલ લાગે છે. ગૂગલે ભારત માટે એક સોફ્ટવેર રેલટેલ બનાવ્યું હતું જે ફ્રી ઈન્ટરનેટ લાઈન આપે છે. રેલટેલ દ્વારા જ ૫૬૦૦થી વધુ રેલવે સ્ટેશનોએ વાઈફાઈ આપવામાં આવે છે.