ગુજરાતના કચ્છમાં આવેલી એક કોલેજના આચાર્ય સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, એક અઠવાડિયા અગાઉ વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં છે કે કેમ? તેની તપાસ કરાવવા માટે તેમણે 60થી વધુ વિદ્યાર્થિનિઓના વસ્ત્રો ઉતારવાની ફરજ પાડી હતી. આ અંગે શ્રી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટ (SSGI)ના ટ્રસ્ટી પ્રવિણ પિંડોરિયાએ જણાવ્યું કે, આચાર્ય રીટા, મહિલા હોસ્ટેલના રેક્ટર રમિલાબેન હિરાની અને કોલેજના ચોથા વર્ગના કર્મચારી નયના ગોરાસિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ તેમને શનિવારે જ બરતરફ કરવામાં આવ્યા હતા.
ભૂજ પોલીસ દ્વારા દાખલ FIRમાં 3 આરોપીઓ ઉપરાંત અનિતા ચૌહાણ નામની એક મહિલાને પણ આરોપી તરીકે દર્શાવાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ IPCની 384, 355 અને 506 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. SSGIએ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે. જેની પોતાની મહિલા હોસ્ટેલ પણ છે. આ સંસ્થા ભૂજ સ્વામીનારાયણ મંદિરના એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
આ મામલો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના 7 સભ્યોની ટીમે રવિવારે હોસ્ટેલમાં રહેનારી યુવતીઓ સાથે મુલાકાત કરી હતી. જેમના આંત:વસ્ત્રો ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી.
અગાઉ એક વિદ્યાર્થિનીએ મીડિયા કર્મચારીઓને જણાવ્યું હતું , આ ઘટના 11 ફેબ્રુઆરીએ SSGI કેમ્પસ સ્થિત હોસ્ટેલમાં થઈ હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, અંદાજે 60 વિદ્યાર્થિનીઓને મહિલા કર્મચારી શૌચાલયમાં લઈ ગઈ, જ્યાં માસિક ધર્મની તપાસ કરાવવા માટે તેમના અંત:વસ્ત્રો ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી.