અમદાવાદ એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના થતા ટળી છે. અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલા વિમાનમાં ટેક ઓફ દરમિયાન આગ લાગી હતી.સમય રહેતા આગ લાગી હોવાની જાણકારી મળી ગઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેને એરપોર્ટ પર લેન્ડિંગ કરાવીને તેમાંથી તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
એરલાઈન્સ કંપની ગો એરે સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું કે ગો એરની બેંગલુરુ જઈ રહેલી ફ્લાઈટ નંબર G8 802ના જમણી બાજુના એન્જીનમાં આગ લાગી ગઈ હતી. આ આગ પક્ષી અથવા તો કોઈ બહારી પદાર્થના સંપર્કમાં આવ્યા બાદ લાગી હતી. સમય રહેતા આગ વિશે જાણ થઈ ગઈ હતી જેના કારણે તેના પર કાબુ મેળવી લેવાયો હતો.
નોંધનીય છે કે વિમાનના તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર નિકાળી દેવામાં આવ્યા છે. પ્રવાસીઓને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા બાદ વિમાનને રનવે પરથી હટાવી લેવાયું હતું.