અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના ભારત પ્રવાસની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ટ્રમ્પના પ્રવાસને લઇને અમદાવાદ પુરી રીતે સજી ગયુ છે. ટ્રમ્પના સ્વાગતમાં દીવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમ પાસેની દીવાલો પર પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્ર્મ્પની તસવીર લગાવવામાં આવી રહી છે. દીવાલો પર તેમની તસવીરોને પેઇન્ટ કરવામાં આવી છે સાથે જ બન્ને નેતાઓની તસવીરોની સાથે સ્લોગન પણ લખેલા છે. સ્લોગનમાં બન્ને નેતાઓની મિત્રતા જોવા મળે છે.
ટ્રમ્પના આગમનને લઇને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ વચ્ચે સોમવારે અમેરિકન એરફોર્સના હરક્યૂલસ વિમાનથી 200 અમેરિકન સુરક્ષાકર્મી અને સ્નાઇપર અમદાવાદ એરપોર્ટ પહોચી ગયા છે, જાણકારી એવી પણ મળી રહી છે કે હવે દરેક દિવસે અમેરિકાથી એક ખાસ વિમાન અમદાવાદ આવશે જેમાં સુરક્ષા સાથે જોડાયેલો સામાન લાવવામાં આવશે.