અયોધ્યામાં રામ મંદિર ક્યારે અને કેવી રીતે નિર્માણ પામશે? તે માટે આજે પ્રથમ બેઠક થવા જઈ રહી છે. આ બેઠક સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત “રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ”ની હશે. જેમાં મંદિરના નિર્માણ શરૂ કરવાના મુહૂર્ત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. સુત્રો અનુસાર, ટ્રસ્ટના અનેક સભ્યો સરયુ કાંઠા સુધી રામ કૉમ્પલેક્સ બનાવવાના પક્ષમાં છે. આ બેઠકમાં આ માટે વધારે જમીન લેવા અંગે ચર્ચા પણ થશે.
આ બેઠકમાં સામાન્ય પ્રજા પાસેથી આર્થિક મદદ લેવા જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ ના થાય. આ ઉપરાંત નિર્માણ કાર્ય દરમિયાન રામલલાની મૂર્તિ ક્યાં રાખવામાં આવે? તેના પર પણ ટ્રસ્ટ વિચાર કરશે. આ બેઠકમાં અયોધ્યાના માસ્ટર પ્લાન પર પણ ચર્ચા થશે.
દિલ્હીમાં યોજાનારી આ બેઠક માટે ટ્રસ્ટના ત્રણ સભ્યો મહંત દિનેન્દ્ર દાસ, રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને ડૉ અનિલ મિશ્ર મંગળવારે અયોધ્યાથી રવાના થઈ ગયા છે. ટ્રસ્ટના સભ્યો તરફથી આમંત્રણ મળવા પર મહંત નૃત્યુ ગોપાલ દાસ પણ દિલ્હી રવાના થયા છે. નૃત્યુ ગોપાલ દાસ ઉપરાંત VHPના ચંપત રાય પણ બેઠકમાં સામેલ થશે.