રાજધાની ગાંધીનગરમાં આજે સ્થિતિ એ છે કે 5 જેટલા અલગ આંદોલન ઊભા થયા છે જેનુ મૂળ કારણ બેરોજગારી છે..ગુજરાત સરકાર દ્વારા અને ખુદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો અને વિકાસ મોડેલનો મોટો પ્રચાર કરવામાં આવ્યો હોવા છતાં હવે રાજ્યની એનકેકેઆર વાસ્તવિકતા સામે આવી ગઈ છે, મૂળ રોજગારીના પ્રશ્ને હવે આંદોલનો બહાર આવ્યા છે.
રાજ્યમાં જો વિકાસ મોડલ અને વાયબ્રન્ટ ગુજરાતની સફળતા વાસ્તવિક હોત તો સરકારી ફિક્સ પગારની નોકરી માટે યુવાનો આજે લાખોની સંખ્યામાં ઉમેદવાર બનીને પરીક્ષા ન આપતા હોત અને પરીક્ષા આપ્યા બાદ હવે આંદોલનના માર્ગે ન વળ્યા હોત.
પાટનગરમાં આજની તારીખે 5 જેટલા આંદોલનો ઊભા થયા છે જેમાં, LRD (પોલીસ લોક રક્ષક)ની SC-ST-OBC વર્ગની મહિલાઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલા અને વિવાદિત બનેલા વર્ષ 2018ના મુદ્દે આંદોલન, ત્યાર પછી આદિવાસીઓ દ્વારા ખોટા આદિવાસીઓના પ્રમાણપત્રો રદ્દ કરવાનું આંદોલન, સૌરાષ્ટ્ર આદિવાસીઓનું આંદોલન, LRD ભરતીમાં સરકારે જાહેર કરેલી વધુ બેઠકો મુદ્દે પુરુષ ઉમેદવારોનું આંદોલન અને TAT ભરતીના ઉમેદવારો દ્વારા ભરતી મુદ્દે આંદોલન.