આજે નાણામંત્રી નિતીન પટેલ આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે. બુધવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજૂ કરશે.વર્ષ 2019-10માં રાજયના બજેટનું કદ રૂા.1,91,817 કરોડ હતું તે આ વખતે વધીને રૂા.2 લાખ કરોડના આંકને પાર કરી જશે તેવો અંદાજ છે.જોકે,24મીએ વિધાનસભામાં બજેટ રજૂ થવાનું હતુ પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે વિધાનસભા સત્રના સમયમાં ફેરબદલ કરાયો હતો.
હવે લોકો નારાજ થાય તે મંજૂર નથી
નાણાંમંત્રી નીતિન પટેલે બજેટ અગાઉ એવી પ્રતિક્રિયા આપીકે, તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ હશે.મ્યુનિ.કોર્પોરેશન ઉપરાંત સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રૂપાણી સરકાર શહેરીલક્ષી વિવિધ યોજના જાહેર કરી શકે છે જેમ કે,ઝૂંપડપટ્ટી નાબૂદીને અમલમાં મૂકાશે.જયાં ઝૂંપડુ ત્યા પાકા મકાન આપવા સરકારે તૈયારી કરી છે. આ ઉપરાંત શહેરોમાં રોડ-રસ્તા,પાણી સહિતની સુવિધાઓ થકી શહેરી મતદારોને આકર્ષવા માટે ય બજેટમાં આયોજન કરાયુ છે. કૃષિલક્ષી યોજના જાહેર કરી નારાજ ખેડૂતોને મનાવવા પણ તૈયારી કરાઇ છે. બેરોજગારો યુવાનો માટે ય યોજના ઘડાઇ છે. આરોગ્ય અને શિક્ષણ પર ભાર મૂકીને સરકાર કેટલીક મહત્વની જાહેરાત થઇ શકે છે. દિલ્હી વિધાનસભાની ઇફેક્ટ ગુજરાતના બજેટ પર જોવા મળશે કેમકે, હવે લોકોની નારાજગી સરકારને પોષાય તેમ નથી .ટ્રમ્પના આગમન અગાઉ જ આંદોલનો થાળે પડયા છે. હજુ ય આંદોલન ધમધમી રહ્યાં છે તે જોતાં પ્રજાલક્ષી યોજના ઉપરાંત કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરાઇ છે.
અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે રહ્યો છે. આવતીકાલે નાણાંમંત્રી નિતીન પટેલ ફરી એકવાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં સૌથી વધુ વાર બજેટ રજૂ કરનારાં નીતિન પટેલ બીજા ક્રમે રહ્યાં છે. આવતીકાલે નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે. આઠમી વાર બજેટ રજૂ કરીને નાણાંમંત્રી નીતિન પટેલ એક નવો રેકર્ડ કરશે. નીતિન પટેલે બે વાર લેખાનુદાન અને પાંચ વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું છે.