વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ દ્વારા વડાપ્રધાન સોશિયલ મીડિયા છોડવાની વાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આશંકા સેવાઇ રહી છે કે શું વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયુ છે કે સાચે જ વડાપ્રધાન સોશિયલ મીડિયા જેવા કે ટ્વિટર, ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને યુ-ટ્યુબ જેવા મીડિયમોને છોડવાનું વિચારી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટથી આજે 8.55 વાગ્યે એક ટ્વીટ આવ્યુ કે આ રવિવારથી હું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી હટી જવાનું વિચારી રહ્યો છું. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં એવુ પણ લખ્યુ છે કે તેમના કારણે તે ટ્વિટર સાથે જોડાયા, માટે તે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય ના લે. જોકે, વડાપ્રધાનના પ્રસિદ્ધિ પાછળ સોશિયલ મીડિયાનો મોટો ફાળો છે. તેવા સંજોગોમાં જો વડાપ્રધાન પોતાનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છોડવાની વાત કરે તો લોકો આશ્ચર્ય પામી રહ્યા છે અને સાથે સાથે અત્યાર સુધી PMO અથવા તો બીજા કોઇ પ્લેટફોર્મથી આ ટ્વીટનું સ્પષ્ટીકરણ ના આવતા વડાપ્રધાનનું ટ્વીટર એકાઉન્ટ હેક થયુ હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે.