જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કૃષિ વિકાસ માટે નવીન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ચર્ચા
જામનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાના અધ્યક્ષ સ્થાને ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સુધી કૃષિની આધુનિક ટેકનોલોજી પહોંચાડવાનો અને ખેતી ખર્ચ ઘટાડવાનો રહ્યો હતો.
બેઠકમાં વર્ષ ૨૦૨૬ માટે નક્કી કરવામાં આવેલા મુખ્ય લક્ષ્યાંકો અને ચર્ચાઓ નીચે મુજબ છે:
-
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ: ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
-
આધુનિક યાંત્રીકીકરણ: મજૂરોની અછતને પહોંચી વળવા ખેતીમાં ડ્રોન અને આધુનિક યંત્રોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો.
-
જમીન સુધારણા: કચરો બાળવાને બદલે ‘બાયો-ચાર’ બનાવી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવાની ટેકનોલોજી સમજાવવામાં આવશે.
-
ખર્ચમાં ઘટાડો: વાતાવરણના બદલાવ સામે પાકનું રક્ષણ અને નવીનતમ જાતો દ્વારા ખેતીને નફાકારક બનાવવા પર પરામર્શ થયો.
કુલપતિશ્રીએ ખેડૂતોને રોગ-જીવાતની સમસ્યાના ઉકેલ માટે નવીન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવ, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. ડી. મુંગરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા. અંતમાં કૃષિ વૈજ્ઞાનિક અંજનાબેન બારૈયાએ આભાર વિધિ કરી હતી.
