સુરતના ડુમસ રોડ પર આવેલા આર્શીવાદ ફાર્મ હાઉસમાંથી લીપયર પાર્ટીની મજા માણતા નબીરાઓને રંગેહાથ ઝડપાવાના પ્રકરણમાં પોલીસે ગવિયરના બુટલેગરની ધરપક્ડ કરી છે. ડુ. પોલીસે પાર્ટીનું આયોજન કરનાર ગગન સરજીત ઢીંગરા (રહે. અંજની ટાવર, પાર્લેપોઇન્ટ, અઠવાલાઇન્સ)ની હાથ ધરેલી પુછપરછના આધારે સોમવારે મહેફિલ માટે બીયર સપ્લાય કરનાર ગવિયર ગામના બુટલેગર બિપીન છોટુ પટેલની ધરપક્ડ કરી છે. બીજી તરફ પોલીસે દારૃની મહેફિલમાંથી નશાની હાલતમાં ઝડપાયેલી 12 યુવતીઓને પણ આગામી બે-ત્રણ દિવસ પોલીસ મથકે બોલાવવાની તજવીજ હાથ ધરી છે.
શહેરભરમાં ચર્ચાસ્પદ બનેલી આર્શીવાદ ફાર્મમાંથી ઝડપાયેલી દારૃની પાર્ટીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૃઆતમાં આ પાર્ટીનું આયોજન દમણમાં કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ જતા ઓનલાઇન આર્શીવાદ ફાર્મ બુક કરાવી પાર્ટીનું આયોજન કરનાર માર્કેટીંગ નિષ્ણાંત ગગન ઢીંગરાએ વોટ્સ અપ મેસેજ પર જ તમામને આમંત્રણ આપ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે પાર્ટીમાં આવનારા કેટલાકે એમ.ડી ડ્રગ્સ મંગાવવા ગગને કહ્યું હતું. પરંતુ ગગને ડ્રગ્સ પોતે નહીં લાવશે પરંતુ જે કોઇ પણ લાવવા ઇચ્છતું હોય તો તે લાવી શકે છે તેવી છુટ આપી હતી.