રાજ્યમાંથી શિયાળએ વિદાય લઈ લીધી છે અને આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ માર્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. પાંચ માર્ચે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સિવાય બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે રવી પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.
મહત્વનું છે કે શિયાળામાં જોઈએ એવી જમાવટ નહોતી જોવા મળી. ફુલ ગુલાબી ઠંડીની અપેક્ષા રાખનારા લોકો માટે શિયાળો હળવો ફૂલ બની ગયો હતો. તેની સામે શિયાળામાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપરથી ચોમાસાની પણ મોડી વિદાય થઈ હતી. ત્યારે હવે 2020માં ઉનાળાનો આકરો તાપ કેવો પડે છે તે જોવાનું રહેશે. બીજી તરફ હવે પાંચમી માર્ચના રોજ ગુજરાતના વાતાવરણમાં કેવો પલ્ટો રહે છે તેના પર પણ ખેડૂતો ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે જગતના તાતથી કમોસમી વરસાદ હવે વધારે સહન નહીં થાય.