કોરોના વાયરસની અસર હવે ગુજરાત સહિત ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતના કોરોના વાયરસની દહેશત એટલી વધી ચૂકી છે કે, લોકો કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતા અને બચવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. આજ ક્રમમાં ગુજરાતમાં લોકોએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ વધારી દીધો છે. જેના કારણે તેની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.
અમદાવાદના બજારમાં કોરોના વાયરસના ડરને પગલે માસ્ક અને સેનેટાઈઝર જેવી વસ્તુઓની માંગ એકદમ વધી ગઈ છે. જેના કારણે તેની કિંમતોમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
આ સિવાય ગુજરાતમાં સામાન્ય તાવ માટે આપવામાં આવતી સાધારણ દવાઓની માંગમાં પણ અચાનક વધારો જોવા મળ્યો છે. જેના કારણે બજારમાં માસ્ક, સેનેટાઈઝર અને અનેક જરૂરી દવાઓની અછત વર્તાય છે. માર્કેટમાં માસ્ક અને સેનેટાઈઝરની કિંમતો 10 ગણી વધી ગઈ છે. બજારમાં 2 પ્લાઈ માસ્ક અને 3 પ્લાઈ માસ્કની કિમતો આસમાને પહોંચી છે.
કોરોના વાયરસને કારણે સરકારે ભીડ એકત્ર ના કરવાની અપીલ કરી છે. જેથી ગઢડામાં BAPS દ્વારા યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજપથ અને કર્ણાવતી ક્લબમાં હોળી-ધૂળેટી નિમિત્તે યોજાનારા રેઈન ડાન્સને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.