વિધાનસભામાં પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરતા ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા કરાય છે. બિન સચિવાલય પરીક્ષાની ભરતીમાં વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે પેપર લીકની ઘટના બનતાં સરકારે તાત્કાલિક પરીક્ષા મુલતવી રાખીને સીટ દ્વારા તપાસના આદેશ આપી ષડયંત્ર પકડી પાડયું હતું. હવે પારદર્શિતાથી બોર્ડની પરીક્ષા બાદ વેકેશનમાં તે પરીક્ષા યોજાશે. સીસી ટીવી કેમેરા હોય તેવી શાળામાં પરીક્ષા લેવાશે.
હાલ ચાલી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા પછી વેકેશનમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કરી છે. તે સાથે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એલઆરડીની ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની શાંતિ હણવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો.