ગુજરાતનો કચ્છ જિલ્લામાંથી આજે નલિયા એરબેઝની માહિતી પાકિસ્તાનને લીક કરવાના આરોપ હેઠળ 4 લોકોની ધરપકડ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કચ્છ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા 4 શખ્સો પર નલિયા એરબેઝની માહિતી અને તેના ફોટોગ્રાફ પાકિસ્તાન મોકલવાનો આરોપ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ધરપકડ કરવામાં આવેલા 4 શખ્સો સ્થાનિક છે અને નલિયા એરબેઝના મોથાળા એરફોર્સ સ્ટેશનની અંદર આવેલા પ્રતિબંધિત વિસ્તારના ફોટા પાડીને તેને પાકિસ્તાન મોકલ્યા હતા. હાલ કચ્છ પોલીસ દ્વારા IPCની વિવિધ કલમો અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3, 9 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હાલ સમગ્ર કેસની તપાસ પશ્ચિમ કચ્છ SOGને સોંપવામાં આવી છે. આ ઈસમો ભારતીય સેનાની ગતિવિધિની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને મોકલી હોવાની આશંકા છે. જેના બદલામાં તેઓને ભારતમાંથી હવાલા મારફતે રૂપિયા મળતા હતા. પોલીસ તપાસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.