કાઉન્સેલિંગ અને Student Well-being Frameworkમાં નોંધપાત્ર કાર્ય: ડૉ. જયેશ જરીવાલાને રાષ્ટ્રીય સ્તરે સન્માન
સુરતની શ્રી સ્વામિનારાયણ મિશન સ્કૂલ-લસકાણામાં સિનીયર ટ્રેનર અને કાઉન્સેલર તરીકે કાર્યરત ડૉ. જયેશ જરીવાલાએ શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સુરતનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. અમદાવાદની આનંદનિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ ‘National School Counsellor Awards -ARISE Mental Health Well-Being Summit 2026’ દરમિયાન તેમને પ્રતિષ્ઠિત “Albert Ellis ARISE Award” એનાયત કરવામાં આવ્યો હતો.
શિક્ષણ અને માનસિક સુખાકારીમાં પ્રેરણાદાયી કામગીરી
ડૉ. જરીવાલાને આ સન્માન વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના વિકાસ, શિસ્ત ઘડતર, જીવનકૌશલ્ય તાલીમ અને શિક્ષકો તેમજ વાલીઓને અપાતા માર્ગદર્શન બદલ આપવામાં આવ્યું છે. તેમની કાઉન્સેલિંગ પદ્ધતિઓ અને વ્યાવહારિક અભિગમે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ અનુભવતા માનસિક તણાવને દૂર કરવા માટે તેમણે કરેલા પ્રયાસોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
સ્ટુડન્ટ વેલ-બીઈંગ ફ્રેમવર્કનું સર્જન
ડૉ. જરીવાલાએ વિકસાવેલું ‘Student Well-being Framework’ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અસરકારક સાબિત થયું છે. આ મોડેલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં એક સુરક્ષિત અને પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવે છે. આ પ્રસંગે તેમણે પોતાની આ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ મિશન સ્કૂલના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો અને આ એવોર્ડ સમગ્ર વિદ્યાર્થી જગત અને શિક્ષકોને અર્પણ કર્યો હતો.
અનુભવી મેન્ટર અને ટ્રેનર તરીકેની ઓળખ
ડૉ. જયેશ જરીવાલા સુરેખ હાઉસ ફાઉન્ડેશન સાથે જોડાઈને પણ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે. એક સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તેમણે શાળાઓના માળખાગત અને શૈક્ષણિક સ્તરને સુધારવા માટે અનેક નવીન પ્રયોગો કર્યા છે. પેરેન્ટિંગ એજ્યુકેશન (વાલી તાલીમ) ક્ષેત્રે પણ તેમનું માર્ગદર્શન આજના સમયની માંગ મુજબ અત્યંત પ્રસ્તુત રહ્યું છે.
