મ્યુચ્યુઅલ ફંડથી કરોડપતિ બનવાની સાચી રીત: જાણો SIP અને લમસમ રોકાણનું પરફેક્ટ ગણિત
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું દરેક સામાન્ય રોકાણકાર સેવતો હોય છે. પરંતુ સાચા નાણાકીય આયોજન અને યોગ્ય માર્ગના અભાવે આ લક્ષ્યાંક સુધી પહોંચવામાં વિલંબ થાય છે. ખાસ કરીને, દર મહિને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતી સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને એકસાથે કરવામાં આવતું એકમટી (Lumpsum) રોકાણ—આ બે વિકલ્પોમાંથી કયો રસ્તો તમારા માટે ઝડપી અને યોગ્ય છે તે સમજવું અત્યંત જરૂરી છે.
આજના સમયમાં દરેક નોકરીયાત કે વ્યવસાયી વ્યક્તિનું સપનું પોતાની પાસે ૧ કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું હોય છે. મ્યુચ્યુઅલ ફંડ હાલમાં આ સ્વપ્ન પૂરું કરવા માટેનું સૌથી લોકપ્રિય અને આકર્ષક માધ્યમ બનીને ઉભરી આવ્યું છે.
જ્યારે પણ કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરે છે, ત્યારે તેની સામે બે મુખ્ય વિકલ્પો હોય છે: પ્રથમ દર મહિને થોડી-થોડી રકમ બચાવીને ‘SIP’ કરવી અને બીજો એકસાથે રકમ જમા કરાવીને ‘લમસમ’ (Lumpsum) રોકાણ કરવું. જો તમારો ટાર્ગેટ ₹૧ કરોડનું ભંડોળ ઊભું કરવાનો છે, તો બંને વિકલ્પોનું ચક્રવૃદ્ધિ ગણિત સમજવું અનિવાર્ય છે.
લમસમ અને SIP: કયો વિકલ્પ ક્યારે પસંદ કરવો?
નાણાકીય નિષ્ણાતોના મતે, રોકાણનો કોઈપણ માર્ગ પસંદ કરતી વખતે વ્યક્તિએ પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઈએ.
જો તમારી પાસે એકસાથે મોટી રકમ ઉપલબ્ધ નથી, પણ દર મહિને નિયમિત આવક થાય છે, તો તમારા માટે દર મહિને થોડી-થોડી બચત કરીને SIP કરવી શ્રેષ્ઠ છે. પરંતુ જો તમારી પાસે બોનસ, ગ્રેચ્યુઈટી કે પ્રોપર્ટીના વેચાણથી અચાનક એકસાથે નાણાં આવ્યા છે અને તમે તેનો મહત્તમ લાભ લેવા માંગો છો, તો લમસમ રોકાણ વધુ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે લમસમમાં સંપૂર્ણ રકમ પર પ્રથમ દિવસથી જ ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding Interest) મળવાનું શરૂ થઈ જાય છે.
₹૨ લાખના લમસમ રોકાણનું કરોડપતિ બનાવતું ગણિત
જો તમારી પાસે આજે ₹૨ લાખની એકમટી રકમ છે અને તમે તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને ૩૫ વર્ષ માટે ભૂલી જાઓ છો, તો કમ્પાઉન્ડિંગની તાકાત અદ્ભુત પરિણામ આપે છે.
અંદાજિત ૧૨ ટકાના વાર્ષિક રિટર્ન ગણતરી લેખે, ૩૫ વર્ષના અંતે આ ₹૨ લાખનું મૂડીરોકાણ વધીને આશરે ₹૧,૦૫,૫૯,૯૨૪ (૧.૦૫ કરોડ) નું વિશાળ ફંડ બની જાય છે. આ ગણતરી સાબિત કરે છે કે જો તમારી પાસે લાંબો સમયગાળો હોય તો માત્ર ₹૨ લાખનું એકમટી રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે લમસમની રકમ ₹૫ લાખ કે ₹૧૦ લાખ કરો છો, તો ₹૧ કરોડનું લક્ષ્યાંક વધુ ઝડપથી હાસિલ થઈ શકે છે.
₹૧૦,૦૦૦ ની માસિક SIP થી ૧ કરોડનું લક્ષ્યાંક
બીજી તરફ, જો તમે દર મહિને ₹૧૦,૦૦૦ ની SIP કરવાનું પસંદ કરો છો, તો ૧૨ ટકાના અંદાજિત વાર્ષિક રિટર્નના દરે ૨૧ વર્ષમાં તમારું કુલ રોકાણ ₹૨૫,૨૦,૦૦૦ થશે.
કમ્પાઉન્ડિંગ વ્યાજના પ્રભાવથી ૨૧ વર્ષ પૂરા થતાં જ આ માસિક રોકાણનું કુલ વળતર વધીને આશરે ₹૧,૦૪,૩૦,૦૬૭ (૧.૦૪ કરોડ) થઈ જશે. એટલે કે SIP ની મદદથી તમે લમસમ કરતાં ખૂબ ઓછા સમયમાં (૨૧ વર્ષમાં) કરોડપતિ બની શકો છો, કારણ કે તેમાં તમે દર વર્ષે મોટી રકમ ઉમેરતા રહો છો.
તમારા માટે કયો વિકલ્પ બેસ્ટ છે?
નિયમિત પગાર મેળવતા કર્મચારીઓ અને શિસ્તબદ્ધ બચતકર્તાઓ માટે SIP એ સૌથી સુરક્ષિત અને અનુકૂળ રસ્તો છે, કારણ કે તે બજારની વધઘટ (Volatilitly) નો સામનો કરવામાં મદદ કરે છે.
જ્યારે અચાનક મોટી રકમ મેળવનારા રોકાણકારો માટે, જેઓ ૨૫ થી ૩૦ વર્ષ સુધી નાણાં રોકી રાખવાની ક્ષમતા ધરાવે છે, તેમના માટે લમસમ એક શક્તિશાળી વિકલ્પ છે. તમારી ઉંમર, આવક અને લક્ષ્યાંકના સમયગાળાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય છે.