ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ આવી શકે છે. રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉનાળાના પ્રારંભે ગુજરાત રાજ્યમાં હવામાન પલટાતાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ હતી. આ કારણે જ કેટલાક પંથકોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોને મસમોટુ નુકસાન પહોંચ્યું હતું. જોકે ત્યારબાદ હવામાન સામાન્ય થઈ ગયું હતું. અને તાપમાનમાં વધારો થયો હતો. જેથી ઉનાળો આકરો બની રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પણ આજે ફરી એકવાર મેઘરાજાની બે દિવસની આગાહીથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવે પાક વાવવો કે નહીં તેની દુવિધા તેમના લલાટે આવી ગઈ છે