ભારે વિવાદોમાં રહેલી રાજ્યની લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગતરાત્રે 2 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતું. લોકરક્ષકની પરીક્ષાના પરિણામમાં જે કોઈ પરીક્ષાર્થીને વાંધો હોય તેવો રજૂઆત કરી શકશે. મહત્વનું છે કે, અગાઉ લોકરક્ષક દળના પરિણામને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ત્યારબાદ હવે 10 ડિસેમ્બરના પરિણામમાં ફેરફાર કરીને ફરીથી પરિણામ જાહેર કરાયું છે. નોંધનીય છે કે, લોકરક્ષકની મહિલા ભરતીને લઈને પણ થોડા દિવસ પહેલા જ આંદોલન થયા હતા. અનામત અને બિન અનામત એમ બંને વર્ગ મેદાને ઉતર્યા હતા. જેમા ભારે વિવાદો બાદ સરકારે લોકરક્ષકની બેઠકોમાં વધારો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બરના પરિણામને લઇને મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ આંદોલન કર્યું હતું. ઉમેદવારોના પરિણામને લઇને હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનતા સરકારે 10 ડિસેમ્બરે જાહેર કરેલા પરિણામમાં સુધારો કરીને નવું પરિણામ મોડીસાંજે જાહેર કર્યું છે.