બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ફરી નીતિન પટેલને કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ આપ્યુ હતું અને કહ્યું હતું કે, 15 ધારાસભ્યોને લઇને આવો અને તમે સરકાર બનાવો. ભરત ઠાકોરના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે દિલની વાત કહેતા કહ્યું કે, હું ભાજપ પક્ષનો કાર્યકર્તા છું, હતો અને રહીશ. મારા નામ સાથે ચેડા ના કરવાની ચેતવણી આપુ છું.
ભરત ઠાકોરના નિવેદન પર નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું, “હું ભાજપ પક્ષનો કાર્યકર્તા છું, હતો અને રહીશ. ભારતીય જનતા પક્ષની જે રાષ્ટ્રીય કારોબારી છે તેનો હું કાયમી સભ્ય છું, આ વાત એટલા માટે વિગતવાર કહું છું કે ભાજપ મારા લોહીમાં છે, મારા હદયમાં છે, મારા મનમાં છે. કોઇ પણ પ્રકારની સત્તા લાલચ કે લાલસા મારા જીવનને કે મારા રાજકીય જીવનને અડી શકી નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઇ ચુક્યો છે, જ્યારે શંકરસિંહજીએ રાજપાની સ્થાપના કરી જુદી સરકાર બનાવી, ભાજપની સરકાર તે વખતે હતી તેના બદલે રાજપાની સરકાર આવી, તે વખતે પણ અમારા મહેસાણામાં ભાજપના મોટાભાગના ધારાસભ્ય અને મંત્રીઓ રાજપામાં ગયેલા અને હું એ વખતે કડીનું પ્રતિનિધિત્વ કરતો હતો. મને પણ રાજપામાં લઇ જવા ઘણી ઓફરો, ઘણી સત્તાની જુદા જુદા પ્રકારની જવાબદારી આપવાની ઓફરો જે તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી, તે વખતે પણ ભાજપ સાથે રહેલો અને અત્યારે પણ ગમે તેટલી મુખ્યમંત્રી બનવાની, હોદ્દો આપવાની લાલચ આપે તે બધી ખોટી છે. મારૂ જીવન ભાજપનું જીવન છે, મારા જીવનમાં એક સિક્કાની બે બાજુ ગણીએ તો એક બાજુ કમળ અને એક બાજુ હું છું.”