ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં અંધ બની ગયેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરે કર્યુ સચોટ માર્ગદર્શન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલા પ્રેમ સંબંધમાં અંધ બનીને પોતાના બે માસૂમ બાળકો અને પતિને છોડીને હિંમતનગર દોડી આવેલી ૨૦ વર્ષીય પરણિત મહિલાને સેન્ટરના સામાજિક કાર્યકરોએ યોગ્ય સમજાવટ અને કાઉન્સેલિંગ દ્વારા ફરી પોતાના પરિવાર સાથે જોડી છે.
સતર્કતા અને ઊંડાણપૂર્વકની તપાસથી ખૂલ્યું સત્ય
રાધનપુરની આ મહિલા જ્યારે હિંમતનગરના એક યુવક સાથે લગ્ન કરવાની જીદ સાથે એકલી આવી પહોંચી ત્યારે મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરે તેને આશ્રય આપ્યો હતો. શરૂઆતમાં મહિલાએ પોતે અપરિણીત હોવાનું કહી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સેન્ટરના સામાજિક કાર્યકરોને તેની વાતોમાં શંકા જણાતા તેમણે ટેકનિકલ મદદ અને વીડિયો કોલ દ્વારા પરિવારનો સંપર્ક કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે મહિલા પરિણીત છે અને તેના ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાયેલી છે.
સખી વન સ્ટોપ સેન્ટર: મુશ્કેલીમાં મહિલાઓનું હૂંફાળું સરનામું
જ્યારે સત્ય બહાર આવ્યું અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી. ગણતરીના કલાકોમાં જ રાધનપુરથી તેના પિતા અને પરિવારજનો હિંમતનગર આવી પહોંચ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. પરિવારે આ કપરા સમયમાં પોતાની દીકરીને સુરક્ષિત રાખવા અને પરિવારને તૂટતો બચાવવા બદલ સરકારની આ યોજનાની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.
ડિજિટલ યુગમાં જાગૃતિની જરૂરિયાત
આ કિસ્સો સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેના કારણે સર્જાતી સામાજિક સમસ્યાઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે. ‘સખી વન સ્ટોપ સેન્ટર’ માત્ર હિંસા પીડિત મહિલાઓ માટે જ નહીં, પરંતુ આવી રીતે ગેરમાર્ગે દોરાયેલી મહિલાઓને પણ યોગ્ય માર્ગ બતાવી સમાજમાં પુનઃસ્થાપિત કરવાનું મહત્વનું કાર્ય કરી રહ્યું છે. કોઈપણ મહિલા મુશ્કેલીના સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઇન અથવા સીધા જ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
