સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે અને તે છે ક્રુઝની સફર. ભૂમિ, હવાઈ અને અને જળમાર્ગે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો માણી શકાશે. 200 વ્યક્તિની ક્ષમતા વાળા ક્રુઝનું બુધવારના રોજ નર્મદા નદીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગામી ગુજરાત પ્રવાસ તારીખ 21મી અને 22મી માર્ચ દરમિયાન કેવડિયા ખાતે નર્મદા નદીમાં ક્રુઝનું લોકાર્પણ કરશે.
ક્રુઝની સફર 6 કિલોમીટર લાંબી રહેશે. ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક કલાકનો ફેરો રહેશે જેમાં 200 પ્રવાસીઓ ક્રુઝ સફરનો આનંદ માણી શકશે. ક્રુઝમાં પ્રવાસીઓ ગોવાની જેમ ડીજે ડાન્સની પણ મજા માણી શકશે. ક્રુઝમાં સફર માટે હાલ એક વ્યક્તિ દીઠ 300/- રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. ક્રુઝ માટે શ્રેષ્ઠ ભારત ભવન પાસે ક્રુઝ પોઇન્ટ બનાવવામાં આવશે જ્યાંથી ટિકિટ ખરીદીને પ્રવાસીઓ ક્રુઝ સફરનો આનંદ મેળવી શકશે.