YES બેંક ડૂબવાની અણી પર પહોંચ્યા બાદ કર્ણાટક બેંકના ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. કર્ણાટક બેંકે પોતાના ખાતેદારોને તેમના રુપિયાની સુરક્ષાનું આશ્વાસન આપતા જણાવ્યું કે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં મૂડી છે. આથી ખાતેદારોએ ગભરાવવાની કોઈ જરૂર નથી.
આ અંગે બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી મહાબલેશ્વર એમ એસએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની પાસે જરૂરિયાત પ્રમાણે પૂરતી મૂડી છે. અમે બેંકની આંતરિક નીતિ અંતર્ગત CRARને ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી નક્કી કરેલી સીમા કરતા વધારે બનાવ્યું છે. ઓડિટ કરવામાં આવેલી બેલેન્શ શીટના હિસાબે 31 માર્ચ 2019ના આ રેશિયો 13.17 હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, બેંક 96 વર્ષ કરતા વધારે સમયથી કાર્યરત છે અને તેના પર સમગ્ર દેશના 1.1 કરોડ ગ્રાહકોએ વિશ્વાસ મૂકેલો છે. બેંકનો પાયો મજબૂત છે. બેંક પાસે પૂરતી મૂડી છે અને બેંકનું સંચાલન વ્યવહારીક રીતે જ કરવામાં આવી રહ્યું છે.