વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે કરેલી માગને ફગાવતા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘કોરોનાની સૌથી વધુ અસર છે તેવા ચીનમાં પણ સૌથી વધુ અસર થઇ હોય તેવા 5-6 શહેરને જ સીલ કરાયા છે, આ સિવાય ત્યાંના અન્ય હિસ્સામાં સામાન્ય જ જીવન છે. જેના કારણે આ તબક્કે આપણે ખોટો ભય રાખવાની જરૂર નથી. કોરોના ફેલાય નહીં તેના માટે અમે તમામ જરૂરી પગલા લઇ રહ્યા છીએ. ગુજરાતમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ‘અમદાવાદ-સુરત એરપોર્ટ પર આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવા ંમાટે 8 તબીબી અધિકારી, 21 પેરા મેડિકલ સ્ટાફ સહિતની 8 મેડિકલ ટીમ તથા થર્મલ સ્કેનર, પી.પી.ઇ. કીટ, એન-95 માસ્ક, એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ 108 તૈયાર રખાઇ છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 2231 મુસાફરો કોરોનાગ્રસ્ત દેશમાંથી આવ્યા છે અને તેમાંથી 1207 પ્રવાસીઓએ 28 દિવસનો ઓબ્ઝર્વેશન પીરિયડ પૂર્ણ કર્યો છે , તે તમામ મુસાફરોનું સ્વાસ્થ્ય સારૂં છે.