બોર્ડ દ્વારા 50 માર્કસના એમસીક્યુ રદ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ 80 માર્કસના પ્રશ્નપત્રો સાથે અને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.10 પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.10માં પ્રથમ ભાષાના વિષયોનું અને વિજ્ઞાાન વિષય સહિતની પ્રથમ બે પેપરની પરીક્ષા બાદ આજે ત્રીજુ પેપર અઘરૂ રહેતા વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા.
ગણિતના શિક્ષક પ્રણવ રાજપુતે જણાવ્યું કે ગણિતનું આજનું પેપર નબળા અને સામાન્ય વિદ્યાર્થીઓને ખૂબ જ મુંઝવે તેવુ હતુ . નવા કોર્સ અને નવી પેપર સ્ટાઈલ લાગુ થયા બાદ પ્રથમ વર્ષે જ ગણિત વિષયનું પેપર ખૂબ જ અઘરૂં રહેતા વિદ્યાર્થીઓના કુલ પરિણામ પર ગંભીર અસર થશે અને આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ નાપાસ થશે.
આજના પપેરમાં મોટા ભાગના દાખલાઓ પાઠયપુસ્કની રીત આધારીત હતા પરંતુ રકમ બદલીને પુછાયા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા હતા.વિભાગ ડીમાં પાયથાગોરસનો પ્રમેય પણ ફેરવીને પુછાયો હતો તેમજ વર્તુળના પ્રમેય ન પુછાતા વિદ્યાર્થીઓ હતાશ થયા હતા જ્યારે આજના પેપરમાં પાઠયપુસ્તકના ઉદાહરણનો એક પણ દાખલો પુછાયો નથી.
હોંશિયાર વિદ્યાર્થીઓની પણ આજના પેપરમાં કસોટી થઈ હતી અને અગાઉના બે પેપરથી આજનું પેપર થોડું અઘરૂ લાગ્યુ હતુ તો ઘણા વિદ્યાર્થીઓએ એવી પણ ફરિયાદ કરી છે કે બોર્ડે આપેલી બ્લુપ્રિન્ટ મુજબનું આજનું પેપર ન હતુ. બ્લુ પ્રિન્ટમાં 15 ટકા જ કઠિનતા મૂલ્ય છે જ્યારે આજના પેપરમાં 25 ટકા કઠિનતા મૂલ્ય છે.નબળા અને ખાસ કરીને રીપિટર તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થશે.