યમુના દુર્ઘટનામાં ગુમાવ્યો હતો જીવ: હવે CM રેખા ગુપ્તાએ મૃતક ભાજપ નેતાની પત્નીને આપી સરકારી નોકરી
દિલ્હીના કરાવલ નગરમાં યમુના નદીમાં થયેલી એક કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભાજપ કાર્યકર્તા કુલદીપ નૈનવાલના પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મૃતક નેતાની પત્ની દીપા નૈનવાલને સરકારી નોકરીનું નિમણૂક પત્ર એનાયત કર્યું છે. આ પગલું પીડિત પરિવારને કાયમી આજીવિકા અને સુરક્ષિત ભવિષ્ય પૂરો પાડવાના હેતુથી લેવામાં આવ્યું છે.
કરાવલ નગરની તે દુખદ ઘટના
ગયા વર્ષે કરાવલ નગર વિધાનસભા વિસ્તારમાં યમુના નદીમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાજપના સક્રિય કાર્યકર્તા કુલદીપ નૈનવાલનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર દોડી ગઈ હતી. મંગળવારે (3 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના નિવાસસ્થાને દીપા નૈનવાલને નોકરી આપી પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે.
મંત્રી કપિલ મિશ્રાની હાજરીમાં સોંપાયું નિમણૂક પત્ર
આ કાર્યક્રમ કાયદા અને ન્યાય મંત્રી તેમજ કરાવલ નગરના ધારાસભ્ય કપિલ મિશ્રાની હાજરીમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે:
“દિલ્હી સરકાર સંકટની ઘડીમાં માત્ર આશ્વાસન આપતી નથી, પરંતુ પાયાના સ્તરે નક્કર નિર્ણયો લઈને પીડિત પરિવારોના ભવિષ્યને સુરક્ષિત કરવાનું કામ કરે છે.”
‘પાર્ટી પરિવારની જેમ કાર્યકર્તાની સાથે’
મંત્રી કપિલ મિશ્રાએ આ પ્રસંગે ભાવુક થતા કહ્યું કે ભાજપ પોતાના દરેક કાર્યકર્તાની સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ મુસીબતમાં અમે એક પરિવારની જેમ સાથે રહીશું. આ નિમણૂક એ સંવેદનશીલતા અને જવાબદારીનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કરાવલ નગરમાં રહેતા કુલદીપ નૈનવાલના પરિવારમાં તેમની માતા ઉપરાંત પત્ની દીપા અને એક પુત્રી એન્જલ નૈનવાલ છે.
દીપા નૈનવાલે માન્યો સરકારનો આભાર
સરકારી નોકરી મળતા દીપા નૈનવાલે મુખ્યમંત્રી અને મંત્રી કપિલ મિશ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારના આ નિર્ણયથી તેમના પરિવારને આત્મનિર્ભરતા અને સન્માન સાથે જીવન જીવવાની નવી તક મળી છે. આ નોકરીથી પરિવારની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
આ પહેલા દિલ્હી સરકાર દ્વારા પીડિત પરિવારને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ સરકાર દ્વારા કુલદીપની પુત્રીના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આજના નોકરીના નિર્ણય સાથે પાર્ટીએ સાબિત કર્યું છે કે તે પોતાના પાયાના કાર્યકર્તાઓને ક્યારેય ભૂલતી નથી.
