શહેરની અનેક CBSE સ્કૂલમાં માર્ચ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. પરંતુ આ સ્કૂલોએ હાલ પૂરતું નવું સત્ર શરૂ ન કરવાનું નક્કી કર્યું છે. આમ, માર્ચ દરમિયાન શહેરની અનેક CBSE સ્કૂલ બંધ રહેશે. એપ્રિલમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી તે અંગે જે તે વખતની સ્થિતિ અને સરકારના માર્ગદર્શન બાદ નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર દેશ હાલમાં કોરોના વાયરસને લઈને ભયમાં છે ત્યારે દેશના કેટલાક રાજ્યમાં તો સ્કૂલ બંધ પણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ કોરોના વાયરસના દર્દી મળ્યા નથી. પરંતુ રાજ્યમાં વાયરસને ફેલાવાને અટકાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની CBSE બોર્ડ સંલગ્ન કેટલીક સ્કૂલે માર્ચમાં શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષને હાલ પૂરતું સ્થગિત કરી દીધું હોવાનું જાણવા મળે છે. શહેરની અમુક સ્કૂલમાં ૧૬ માર્ચથી નવા સત્રનો પ્રારંભ થવાનો હતો. જ્યારે ઘણી સ્કૂલમાં ૨૬ માર્ચ આસપાસ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો હતો. જોકે, હવે માર્ચ અંત સુધી આ સ્કૂલોએ નવું સત્ર શરૂ ન કરવાનો નિર્ણય લીધો છે.
ઘણી સ્કૂલમાં આગામી સપ્તાહથી ધોરણ-૯ અને ૧૧ના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવનાર હતું. જ્યારે બાકીના વર્ગોમાં શૈક્ષણિક કાર્ય માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવનાર હતું. પરંતુ કોરોના વાયરસના ભયના પગલે સ્કૂલોએ માર્ચના અંત સુધી સ્કૂલો બંધ રાખવાનું નક્કી કર્યુ છે. એપ્રિલની શરૂઆતમાં જે સ્થિતિ હશે તેના આધારે હેલ્થ વિભાગની એડવાઈઝરી મુજબ આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરની રિવરસાઈડ સ્કૂલમાં તો શુક્રવારથી જ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી.