કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઉતર પ્રદેશમાં વધીને 13 થઈ ગઈ છે. બેંગલુરૂથી આગ્રા પહોંચેલા વધુ એક દર્દીમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. જ્યારે રવિવારે કોરોના વાઈરસના શંકાસ્પદ 18 દર્દીઓને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આગ્રામાં 8, ગાજિયાબાદ અને લખનઉમાં 2-2 અને નોઈડામાં 1 કોરોના વાઈરસના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જો કે આગ્રામાં 4 કોરોના પોઝિટિવ દર્દીઓ પહેલા જ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
રાજધાની લખનઉની 6 હોસ્પિટલોને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમાં KGMU, સિવિલ હોસ્પિટલ, લોહિયા હોસ્પિટલ, બલરામપુર હોસ્પિટલ, લોકબંધુ અને SGPGIમાં કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જો કે મેડિકલ તપાસની સુવિધા માત્ર KGMUમાં જ ઉપલબ્ધ છે.
કોરોનાના કેસોમાં સતત વધારો થવાના કારણે તકેદારીના ભાગરૂપે સિનેમાહૉલને બંધ કરી દેવામાં આવ્યા છે. આ વાઈરસના કારણે ફિલ્મ ઉદ્યોગને મોટું નુક્સાન થઈ રહ્યું છે. મુંબઈમાં અનેક ફિલ્મો અને સીરિયલોનું શુટિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના ચેપને ફેલાતો અટકાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યાં છે. લોકોને ભીડભાડ વાળી જગ્યાઓ પર ના જવાની સલાહ આપવામાં આવી રહી છે.