લોકરક્ષક દળની ભરતીનો વિવાદ ફરી વખત ઉઠે એવી શક્યતા વર્તાઈ રહી છે. આ મામલે ભરતીની 380 મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં વાંધા અરજી કરી હતી અને કોર્ટે તેમની વાંધા અરજી સ્વીકારતા સરકારને નોટિસ પણ ફટકારી છે.
ઓપન કેટેગરીની તમામ બેઠક પર જનરલ કેટેગરીની મહિલાઓની ભરતી કરવી જોઇએ. અનામત કેટેગરીની મહિલાઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ ન કરવા દાદ માગી છે. હાઇકોર્ટે સરકાર અને લોકરક્ષક ભરતી બોર્ડને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી 30મી એપ્રિલે હાથ ધરાશે.
લોકરક્ષક દળની ભરતીમાં સરકારે બહાર પાડેલા મેરિટ લિસ્ટ સામે ઓપન કેટેગરીની આશરે 105 મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં એમેન્ડમેન્ડ કર્યુ છે. તેમના વતી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, સરકારે 10 માર્ચ 2020ના રોજ બહાર પાડેલા મેરિટ લિસ્ટમાં ઓપન કેટેગરીની મહિલાઓનો જ સમાવેશ કરવો જોઇએ. તેમાં અનામત કેટેગરીની મહિલાઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી શકાય નહીં.
આ લિસ્ટમાં મહિલા અનામત અંગેના 1997 અને 2012ના નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી. મહિલા અનામતનો કાયદો ક્રિસ્ટલ ક્લિયર છે તેમાં સરકાર પાસે સત્તા નથી કે બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે સ્વાયત્ત કાયદામાં ફેરફાર કરી શકે. સરકાર સ્વાયત્ત કાયદા અને કલમોમાં સુધારા કરી શકે નહીં.