ગાંધીનગર- ગુજરાતમાં પીવાના પાણીના પ્રદૂષણને નિવારવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. આ દરખાસ્તમાં પીવાના પાણીની પાંચ રૂપિયાની નાની બોટલને બંધ કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે એ સાથે પાણીની તૈયાર બોટલોના જથ્થાને ખુલ્લા તડકામાં નહીં મૂકવાની ભલામણ કરી છે. જો રાજ્ય સરકાર આ દરખાસ્તને સ્વિકારશે તો પીવાના પાણીની નાની બોટલોને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાતમાં હાલ પાંચ રૂપિયા, દસ રૂપિયા, પંદર રૂપિયા અને વીસ રૂપિયામાં પીવાના પાણીની બોટલો મળે છે. પાંચ રૂપિયાની બોટલનું પ્રોડક્શન શંકાસ્પદ હોવાનું માલૂમ પડતાં અને તેમાં પ્લાસ્ટીકની ક્વોલિટી હલકી હોવાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સરકારને આવી બોટવો બંધ કરવા ભલામણ કરી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલ પીવાના પાણીની ઠંડી બોટલોનો ક્રેઝ વધી રહ્યો છે. આ બોટલો સચિવાલય અને સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં પણ વિતરીત કરવામાં આવે છે. હકીકતમાં તે સિંગલ-યુઝ પ્લાસ્ટિક છે.
પીવાના પાણીની બોટલોની ક્વોલિટી સાથે આરોગ્ય વિભાગ પણ સહમત થતું નથી કારણ કે આ પાણી જ્યાં બનાવવામાં આવે છે તે જગ્યા સાફ હોતી નથી. પીવાનું પાણી મિનરલ વોટર હોય તે માન્યામાં આવતું નથી. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે પીવાના પાણીની બોટલોનું ટેસ્ટીંગ થવું જોઇએ. રેલ્વે મંત્રાલય સાણંદમાં પીવાના પાણીની જે બોટલો બનાવે છે તેમાં નર્મદાનું પાણી ભરવામાં આવે છે પરંતુ ખાનગી કંપનીઓ કેવું પાણી વાપરે છે તેની જાણ પબ્લિકને થતી નથી.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં પીવાના પાણીની બોટલો બને છે તે કંપનીઓમાં અમે વારંવાર દરોડા પાડીએ છીએ અને સેમ્પલ સર્વે કરીએ છીએ. કેટલાક કેસોમાં અમે નોટીસ આપી છે. અમારી ભલામણ પછી સરકારે પીવાના પાણીના પાઉચ બંધ કર્યા છે. હવે રાજ્યમાં ક્યાંય પણ પીવાના પાણીના પાઉચ વેચાતા મળતા નથી. પાંચ રૂપિયાની બોટલમાં હલકું પ્લાસ્ટીક વપરાય છે તેવી ફરિયાદો અમને પણ મળી છે પરંતુ છેલ્લો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે.
રાજ્યના એક જળતજજ્ઞના મતે ગુજરાત સરકાર અથવા નર્મદા નિગમ તેની નર્મદાની કેનાલો પાસે મિનરલ પાણીની ફેક્ટરી ખુદ શરૂ કરી શકે છે અને તે પાણી માત્ર 10 રૂપિયામાં લોકોને આપવામાં આવે તો નિગમને તેની આવક પણ થશે અને પાણીનું પ્રદૂષણ ઘટશે. તામિલનાડુમાં જ્યારે જયલલીથા મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારે કાવેરી નદીનું અમ્મા વોટર શરૂ કર્યું હતું જે આજે પણ તામિનનાડુમાં ચાલે છે. તેની કિંમત 12 રૂપિયા રાખવામાં આવી છે. ગુજરાતનું નર્મદા નિગમ પણ આવો પ્લાન્ટ શરૂ કરી શકે છે.