આર્મી બાદ હવે નેવીમાં પણ મહિલા ઓફિસરોને કાયમી કમિશન મળશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઈન્ડિયન નેવીમાં પરમેનેન્ટ કમિશન આપવા સમયે મહિલા અને પુરૂષોને એક સમાન અધિકાર મળવો જોઈએ. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની ધરાવતી આ બેંચે નેવીમાં કામ કરી રહેલી મહિલા ઓફિસરોને ત્રણ મહિનાની અંદર કાયમી કમિશન આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નેવીમાં શૉર્ટ સર્વિસ કમિશન અંતર્ગત સેવા આપી રહેલી મહિલાઓને કાયમી કમિશન આપવાનો ઈન્કાર કરવો તેમની સાથે અન્યાય છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મહિલાઓને ઈન્ડિયન આર્મીમાં કાયમી કમિશન આપવાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
કાયમી કમિશન મળવાથી શોર્ટ સર્વિસ કમિશનથી ઉલટુ મહિલાઓ નિવૃતિ સુધી ઈન્ડિયન નેવીની સેવા કરી શકશે. શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત મહિલા હોય કે પુરુષ તેમને 10 વર્ષ સુધી નોકરીની મંજૂરી મળે છે. જેને વધુમાં વધુ વધારીને 14 વર્ષ કરવામાં આવી શકે છે.